દિકરી વિદાય


દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,

વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,

કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,

તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,

દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,

સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,

ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,

ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,

હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,

પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,

આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,

સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,

દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,

પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,

લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,

ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,

કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.

– લેખક અજ્ઞાત

Advertisements

દીકરી વિદાય પછી


આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો,ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય,’શ્યામ’નાં, દીકરી વિદાય પછી.

-ઘનશ્યામ વઘાસીયા

લેખ તારા લઈ ગયા રે લોલ


આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં એ લોલ.

દાદા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ધેડી મારી, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

કાકા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ભતરીજ, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

-લોકગીત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો


સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો
ઘરનું ફળિયું લઈને ચાલે

પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણની વાત;

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે,

જાન વળાવી, પાછો વળતો
દીવડો થરથર કંપે’
ખડકી પાસે ઉભો રહીને
અજવાળને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો
ઘરનું ફળિયુ લઈને ચાલે.

-અનિલ જોશી

કન્યાવિદાય


લીલુડાં પાંદડાંની ઊછળતી વેલ
હવે કંકુનાં પગલાં દઈ ચાલી
રાખડીના તાંતણે બાંધેલું ફળીયું
હવે લાગે છે સાવ ખાલી ખાલી.

દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત
તો જાણત અંધારું શું ચીજ છે
ફળના આંબામાં જે પાંદડાં ઝૂલે
એની ભીતર કઈ મમતાનું બીજ છે?

ધીમા પગલાથી ઉંબરો ઓળગંતી
આસુંની આંગળીને ઝાલી

લીલુડાં પાદડાંની ઊછળતી વેલ
હવે કંકુનાં પગલા દઈ ચાલી..

દીકરી વળાવતાં એવો રિવાજ
કે તળાવ સુધી તો હાર્યે જાવું
ઉઘલતી જાન ટાણે આખ્યું તો દરિયો!
કહે તળાવ સુધી વળાવા આવું?

જાગરણની રાતે તું રમતી જે રાસ
એની ખોવાઈ ગઈ છે ક્યાંક તાલી

લીલુડાં પાદડાંની ઊછળતી વેલ
હવે કંકુનાં પગલા દઈ ચાલી..

-અનિલ જોશી

%d bloggers like this: