મોર અને બગલો


એક મોર હતો. તે મોરને અત્યંત સુંદર રંગબેરંગી પીંછાં હતાં. બીજા કોઈ પક્ષીને આવાં આકર્ષક પીંછાં નહોતાં. મોરને તેનાં પીંછાં અને તેની સુંદરતાનું ખૂબ અભિમાન હતું. તેથી એક વખત એક બગલો તળાવના કિનારે ઊભો હતો ત્યારે તેનાં રંગ વિનાનાં, સફેદ પાંખા પીંછાંઓ જોઈને મોર તુચ્છકારથી હસ્યો અને તરત જ બગલાની સામે જોઈને પોતાનાં બહુરંગી પીંછાં ફેલાવીને કળા કરવા લાગ્યો.
તેણે બગલાને કહ્યું, “આ મારાં પીંછાં જો. તે મેઘધનુષ્યના રંગોની માફક ચમકે છે અને તારાં પીંછાં..! કેટલા પાંખા છે તારા પીંછાં! પીંછાંને લીધે મારો રુઆબ કેવો પડે છે! જાણે કોઈ રાજા જોઈ લ્યો!”
“એ સાચું,” બગલાએ જવાબ વાળ્યો, “પણ હું આકાશમાં ખૂબ ઊંચે, વાદળોની વચ્ચે ઊડી શકું છું. એટલી ઊંચાઈએ ઊડીને હું આ રળિયામણી ધરતીનું સૌંદર્ય માણી શકું છું. જ્યારે તું? તું બીજા કોઈ તુચ્છ પંખીની માફક અહીં રહીને જ તારું જીવન પૂરું કરે છે. ઉડતી વખતે તારા આ જ સુંદર પીંછાં તને ભારરૃપ બને છે, તો પછી આવી સુંદરતા શું કામની?” એમ જવાબ આપીને બગલો આકાશમાં ઊંચે ને ઊંચે ઊડી ગયો અને મોર છોભીલો પડીને બગલાને આકાશમાં અદૃશ્ય થતો જોઈ રહ્યો.

Leave a comment