એડોલ્ફ હિટલર દિમાગ ચકરાવે ચડાવતી ખોપરી


હિટલરની કહેવાતી આત્મહત્યા પછી બે દિવસે બંકર સુધી ધસી આવેલાં રશિયન દળોએ બંકરની સઘન તલાશી લીધી હતી. પરંતુ એ પછી આઠ વર્ષે, ૧૯૫૩માં બંકરમાંથી નીકળતી બે છૂપી સુરંગ મળી આવી હતી.

લેટેસ્ટ ડીએનએ ટેસ્ટ મુજબ, હિટલરના બંકર નજીકથી મેળવાયેલી હિટલરની મનાતી ખોપરી તો કોઈક મહિલાની છે! તો પછી શું હિટલરે આત્મહત્યા કરી ન હતી? એ જો નાસી છૂટયો હતો તો કયાં ગયો? ૬૪ વર્ષે ફરીથી ધૂણી ઊઠેલી રહસ્યની ભૂતાવળની વધુ એક વખત જાંચપડતાલ…

બર્લિનના ચાન્સેલરી બિલ્ડિંગથી ૮૦૦ મીટર પિશ્ચમે જમીનથી ૫૦ ફૂટ નીચે બનાવેલાં ભૂગર્ભ નિવાસસ્થાનમાં તે દિવસે સન્નાટો હતો. છેલ્લાં સાડા ત્રણ મહિનાથી હિટલર ૧૮ ઈચ જાડા કોંક્રિટના બનેલાં આ સુરક્ષિત બંકરની બહાર ખાસ કામ વગર જતો ન હતો. એક તબક્કે ૭૦ ટકા યુરોપમાં જર્મનીના ભીષણ આક્રમણ સામે પરાસ્ત થઈ ચૂકયા પછી મિત્રદેશોએ નોર્મન્ડીના કાંઠેથી ફ્રાન્સના જમીન માર્ગે આગેકૂચ શરૂ કરી એ સાથે વિશ્વયુદ્ધનું પાસું પલટાઈ ચૂકયું હતું.

એક તરફ જમીન માર્ગે આગળ ધપી રહેલાં દુશ્મનો અને બીજી તરફ લિબિયા તેમજ રશિયાના મોરચે ફસાઈ ગયેલાં લાખો જર્મન સૈનિકો. એ કપરી હાલતમાં જર્મનીનો પરાજય નિિશ્ચત હતો. પણ હિટલરનો પ્રચંડ આત્મવિશ્વાસ અને પ્રબળ આશાવાદ હજુ ય બુલંદ હતો. હજુ ય વળતો પ્રહાર કરવાની શકયતા તે ચકાસી રાો હતો. રોજ તે ફયુરર બંકરના કોન્ફરન્સ રૂમના વિશાળ ટેબલ પર વિશ્વનો નકશો પાથરીને બેસતો અને લાલ, લીલી, પીળી ટાંકણીઓ વડે લશ્કરી વ્યૂહરચના દોર્યા કરતો.

એ દિવસે બે મજલામાં ફેલાયેલા બંકરના વરચેના ભાગે વિશાળ કોન્ફરન્સ હોલમાં માત્ર ત્રણ જણાની હાજરી હોલનો ખાલીપો વધારતી હતી. હિટલર આદતવશ હોઠ કરડી રહ્યો હતો. તેની સામે ઊભેલા બંનેના ચહેરા પર ખોફ વર્તાતો હતો. એમાંનો એક હતો હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સ અને બીજો હતો હિટલરનો અંગત સહાયક માર્ટિન બોરમાન.

ટેબલ પર પડેલાં કાગળ સામે ઘડીભર ત્રાટક કર્યા પછી હિટલર જોશભેર ઊભો થયો અને પોતાની ખુરશીને ગુસ્સામાં ફંગોળી દીધી. ‘આ જ ઘડીએ એને બધા જ હોદ્દાઓ પરથી તગેડી મૂકો અને કહી દો કે એણે ભયાનક દેશદ્રોહ કર્યોછે, જેની સજા દેહાંતદંડ જ હોઈ શકે. તાત્કાલિક તેની ધરપકડ કરાવો.’ અને એ સાથે તેણે છુટ્ટું પેપરવેઈટ ખૂણામાં ફંગોળ્યું.

હિટલરનો ગુસ્સો જેનાં પર વરસી પડયો હતો એ હતો હિટલરનો સેનાપતિ હરમાન ગોરિંગ. છેવટના યુદ્ધમાં બર્ઝગેડનની પર્વતમાળામાં આશરો લીધા પછી તેણે હિટલરને પત્ર લખીને લશ્કરની છેવટની સ્થિતિ વિશે માહિતી આપતાં સૂચવ્યું હતું કે, હવે જર્મનીનો પરાજય નિશ્ચિત છે. તમારૂં ભાવિ પણ હું અંધકારમય નિહાળી રહ્યો છું.

આ સ્થિતિમાં જો આ પત્રનો જવાબ તમે ૧૦ કલાકમાં ન આપી શકો તો હું મારી જાતને જર્મનીના સત્તાધિશ તરીકે જાહેર કરીને યુદ્ધ જારી રાખીશ.’ આકાંક્ષા, આક્રમકતા અને આશાવાદથી છલકાતા હિટલર માટે હિમલરનો સંદેશો દિમાગ ફાડી નાંખવા માટે પૂરતો હતો. એ દિવસ હતો ૨૩ ઓગસ્ટ. હિમલરની ધરપકડનો આદેશ કર્યા પછી તેણે બપોરે ફરીથી બોરમાનને બોલાવ્યો.

‘તેં મને થોડા દિવસ પહેલાં બંકર સિવાયના અન્ય છુપા સ્થાને આશરો લેવાની યોજના વિશે કંઈક કહ્યું હતું..’

હિટલરના આકસ્મિક અને અણધાર્યા સવાલથી બોરમાન પણ ચોંકી ગયો. હજુ ગત પખવાડિયે જ તેણે અન્યત્ર જતાં રહેવાનો ઉલ્લેખ કર્યોત્યારે તાડુકી ઊઠેલાં હિટલરે આદતવશ ટેબલ પરની ચીજવસ્તુઓ છુટ્ટી ફેંકીને પોતાનો જવાબ વ્યકત કરી દીધો હતો. અને આજે…

‘યસ સર, વિકલ્પો તો આપણી પાસે છે જ.’ બોરમાને અચકાતા અવાજે કહ્યું.

‘અહીંથી નાસી જઈને આપણે થોડો સમય બર્ઝગેડનમાં છુપાઈ શકીએ. બર્લિન સુધી પહોંરયા પછી રશિયન લશ્કર શહેરભરમાં ઠેરઠેર બનાવેલાં ૧૧ છુપા બંકરો શોધવામાં સમય બગાડે એ દરમિયાન આપણે કોઈ સલામત દેશમાં આશરો લઈ શકીએ – મતલબ કે, યુદ્ધ જારી રાખી શકીએ.’ બોરમાન જાણતો હતો કે ઘમંડી હિટલરને આશરો, શરણાગતિ જેવા શબ્દોથી સખત નફરત હતી.

જવાબમાં હિટલરે કશો જ પ્રતિભાવ આપ્યા વગર ટેબલ પર પથરાયેલા રહેતા નકશા ભણી જોયા કર્યું.

પછીનાં છ દિવસોએ હિટલરના બુલંદ આત્મવિશ્વાસના પાયા હચમચાવી દીધા. જેમનાં પર તેને અટલ ભરોસો હતો એવાં ગોરિંગ પછી હવે હેનરિક હિમલરે પણ શરણાગતિ માટે પ્રયાસો શરૂ કર્યાના સમાચાર તેને મળ્યા. બર્લિનમાં પ્રવેશેલી રશિયન સેનાના ભણકારા વરચે બંકર ઉપર દિવસભર બોમ્બ વરસતા રહ્યા. અને યુદ્ધમાં હિટલરને છેવટ સુધી મક્કમ સથવારો આપનાર ઈટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનિની ધરપકડ થયા પછી જાહેરમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી. એ રાતે હિટલર રીતસર સ્તબ્ધ થઈ ગયેલો. તેને કદાચ ગટરમાં ફેંકી દેવાયેલા મુસોલિનિના દેહમાં પોતાનો ચહેરો દેખાતો હતો.

૨૯મી એપ્રિલે સુરક્ષા ગાડ્ર્ઝે બંકર ખાતે હિટલરના અંગત કમરાઓમાં મોડે સુધી જલતા બલ્બની રોશની વરચે કશુંક રાચરચીલું ખસેડાતું હોય તેવા અવાજો સાંભળ્યા. ૩૦ એપ્રિલે હિટલર સવારે ૧૧ વાગ્યે તેનાં રૂમમાંથી બહાર આવ્યો. તેની આંખોમાં આખરી દિવસોની ગ્લાનિ કે પરાજયની નાલેશીનાં સ્થાને રોજિંદી સ્વસ્થતા હતી. પ્રેયસીમાંથી હવે પત્ની બનેલી ઈવા બ્રા”ન સાથે તેણે દરેક સાથીદારો સાથે હાથ મિલાવીને સૌની વિદાય લીધી.

બોરમાન અને ગોબેલ્સે બાકીના સૌને ઈશારો કરીને બહારના ખંડમાં જતા રહેવા સુચવ્યું અને એ બંને હિટલરના શયનખંડની બહાર થોડે દૂર ઊભા રહ્યા. દસેક મિનિટ પછી ધડાકો સંભળાયો. થોડીવાર પછી ગોબેલ્સે બહાર આવીને કેન્વાસના બે કામચલાઉ કોફિન, જાડી ચાદર, ગેસોલિનના ૬ કેરબાની વ્યવસ્થા કરવાની સુચના આપી અને જાહેર કર્યું, ‘ફયુરર અને ઈવા બ્રા”ને આત્મહત્યા કરી લીધી છે.’ એ પછીની એક કલાકે બંકરની બહારના બગીચામાં ઝાડીઓ વરચે હિટલર અને ઈવાના મૃતદેહોને સળગાવી દીધા પછી તેમનાં અવશેષોને જમીનમાં દાટી દેવામાં આવ્યા.

…અને છેક હવે, ૬૪ વર્ષે થયેલો ડીએનએ ટેસ્ટ કહે છે કે, એ જગ્યાએથી મળેલાં ખોપરી સહિતના અવશેષો તો કોઈ મહિલાના છે. તો શું હિટલર જીવતો રહ્યો હતો? તેનાં આખરી દિવસોનાં પ્રત્યેક સાક્ષીની અસંખ્ય વખત પૂછપરછ કરીને એક એક ક્ષણના ઝીણવટભર્યા બયાન પછી દૃઢપણે માની લેવામાં આવ્યું હતું કે હિટલર અને ઈવાએ અને ત્યારબાદ જોસેફ ગોબેલ્સ અને તેનાં પરિવારે બંકરમાં જ આત્મહત્યા કરી લીધી છે અને બગીચાની ઝાડીમાંથી જે મૃતદેહો મળી આવ્યા છે એ હિટલર અને ઈવાના જ છે.

ઈવાએ ઝેરી પ્રવાહી પીને મોતની સોડ તાણવાનું પસંદ કરેલું અને એ મૃત્યુ પામી ચૂકી છે તેની ખાતરી કર્યા પછી હિટલરે પોતાના ડાબા લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. હવે જો ડાબા લમણે ગોળી વાગ્યાનું નિશાન ધરાવતી ખોપરી કોઈ મહિલાની હોય તો બેશક હિટલર પોતાના બદલે કોઈ અન્ય બે વ્યકિતઓને આત્મહત્યા કરવાની ફરજ પાડીને (કે તેમની હત્યા કરીને) અન્યત્ર કશેક નાસી ગયો હોય. પરંતુ એ શકય હતું ખરૂં? હિટલરની કહેવાતી આત્મહત્યા પછી બે દિવસે બંકર સુધી ધસી આવેલાં રશિયન દળોએ બંકરની સઘન તલાશી લીધી હતી. પરંતુ એ પછી આઠ વર્ષે, ૧૯૫૩માં બંકરમાંથી નીકળતી બે છૂપી સુરંગ મળી આવી હતી.

સફાઈબંધ બાંધેલી સાડા ચાર ફૂટ પહોળી એ બંને સુરંગો પૈકી એક બંકરથી ચાર કિલોમીટર ઉત્તરે બોમ્બમારામાં ઘ્વસ્ત થઈ ગયેલી એક રેસ્ટોરન્ટના કિચનમાં અને બીજી સાડા પાંચ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં એક ચિત્રકારના સ્ટુડિયોમાં નીકળતી હતી. ચિત્રકાર ૧૯૪૩માં મૃત્યુ પામ્યો ત્યારથી એ સ્ટુડિયો બંધ હતો અને રેસ્ટોરન્ટનો માલિક ૧૯૪૪થી જર્મની છોડીને આર્જેન્ટિના સ્થાયી થઈ ચૂકયો હતો. પરિણામે ત્યાંથી પણ કશો સુરાગ મળે તેમ ન હતો.

તો શું હિટલર એ સુરંગના માર્ગે કયાંક નાસી છૂટયો હતો? એ કયાં જઈ શકે? અમેરિકાએ મહદ્ અંશે હિટલરની આત્મહત્યાને સ્વીકારી લીધી હતી. પરંતુ હિટલરના આખરી નિવાસસ્થાન સમાં બંકર, છેલ્લી ઘડીનાં સાક્ષીઓ, હિટલરનાં કહેવાતા મૃતદેહના અવશેષો સહિતના મહત્ત્વપૂર્ણ પૂરાવાઓ રશિયાના કબજામાં હોવા છતાં રશિયાએ દાયકાઓ સુધી સઘન તપાસ જારી રાખી હતી. હિટલરના રસોઈયાને અને અંગત સુરક્ષા કર્મચારીને તો રશિયા લઈ જઈને ૧૬ વર્ષ સુધી આકરી જાંચ હેઠળ રાખ્યા હતા.

હિટલરના મૃતદેહનું હાડપીંજર હાથ લાગ્યા પછી ય રશિયાએ દાખવેલી આટલી ચોંપ શું સુચવે છે? શું તેમને ય હિટલરની કહેવાતી આત્મહત્યા વિશે શંકા હતી? હિટલર નાસી છૂટવામાં સફળ રહ્યો હોય તો કયાં ગયો હોઈ શકે? એ પછી કેટલાં વર્ષ જીવ્યો હશે? છદ્મવેશે તેણે શું કર્યું હશે? આ દરેક સવાલોનો જવાબ વિખ્યાત લેખક ઈરવિંગ વોલેસે ‘સેવન્થ સિક્રેટ’ નામની બેહદ રોમાંચક નવલકથામાં આપ્યો છે.

જેમાં એમણે બંકરમાંથી છટકી ગયેલાં હિટલર અને ઈવા બ્રોનની પછીની જિંદગીની અને નાઝીવાદને પુન:જીવિત કરવાની ખોફનાક મથામણોનો ચિતાર આપ્યો છે. એ કથા તો અલબત્ત કાલ્પનિક છે પરંતુ એ વાસ્તવિક હોઈ શકે ખરી? પહાડ જેવડાં જો અને તો વરચે સત્ય કયાં હશે? કોઈ ભેદી બંકરની અવાવરૂં સુરંગમાં?

Advertisements

One Response

  1. I most like this fact story-9725969484-Bhatt ashwin

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: